રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણ માટે મહત્વની જાહેરાત કરી છે. હવેથી શાળાઓમાં કૌશલ્ય આધારિત શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિય જ્ઞાન નહીં પણ પ્રેક્ટિકલ નોલેજ મળે તે માટે ખાસ લેબ અને વર્કશોપ તૈયાર કરવામાં આવશે. આ નીતિ અંતર્ગત માતૃભાષામાં શિક્ષણ આપવા પર પણ વિશેષ ભાર મુકાયો છે. નવી સિસ્ટમ મુજબ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાઓના માળખામાં પણ ફેરફાર થવાની શક્યતા છે. શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સકારાત્મક અસર પડશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે આ ફેરફાર ભારતને ગ્લોબલ નોલેજ સુપરપાવર બનાવવા તરફનું એક કદમ છે.