પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો અનોખો સંદેશ આપતો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વન વિભાગ અને રિજિયોનલ સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 400થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જ્યારે ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ જનસમર્થન મળ્યું હતું. કાર્યક્રમ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જિલ્લા વહીવટી તંત્ર, વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પને જનઆંદોલન બનાવવા માટે પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત આશરે 400થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ 1000થી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર પ્રકૃતિનો એક ભાગ નથી, પરંતુ માનવ જીવન માટે જીવનદાયી શક્તિ સમાન છે. પ્રાણવાયુ, વરસાદનું સંતુલન તેમજ ભૂગર્ભ જળસ્તર જાળવવામાં વૃક્ષોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાએ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવા પડકારોને ધ્યાનમાં રાખી વૃક્ષારોપણને સમયની સૌથી મોટી જરૂરિયાત ગણાવી હતી. તેમણે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી માત્ર ઔપચારિક ન રહી, પરંતુ હરિયાળા અને સ્વચ્છ ભવિષ્ય માટે જનજાગૃતિનો સશક્ત સંદેશ બની રહી હતી. રિપોર્ટર પ્રવિણભાઈ પંચાલ પાટણ