પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલતા મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને લોકોનો આક્રોશ ઉગ્ર બન્યો છે. શહેરના વોર્ડ નં. 1 થી 6ના રહીશો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે ધરણાં પ્રદર્શન સાથે ભૂખ હડતાળ શરૂ કરી છે. ગટર વ્યવસ્થા, પીવાનું પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટો અને ખરાબ રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા ઘણા સમયથી અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. શહેરના અનેક વિસ્તારોમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા લોકો દુર્ગંધ અને ગંદકી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે. ઉપરાંત ખરાબ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટોની અછતને કારણે સ્થાનિકો માટે અવરજવર મુશ્કેલ બની રહી હોવાનું રહીશોએ જણાવ્યું હતું. નગરસેવક જયાબેન ઠાકોરે પણ શહેરમાં વિકાસના દાવાઓ સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે, સરકાર અને તંત્ર વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ રાધનપુરના અનેક વિસ્તારો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. લોકોની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં ન આવતા હવે રહીશો આંદોલનના માર્ગે ઉતરવા મજબૂર બન્યા છે. આ દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલી એક મહિલાની તબિયત અચાનક લથડતા ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાને વધુ સારવાર માટે પાટણ ખાતે રીફર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ગટર, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને રસ્તાના પ્રશ્નોનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન યથાવત રહેશે. જરૂર પડે તો વધુ ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલ સમગ્ર મામલે રાધનપુર શહેરમાં ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે નગરપાલિકા તંત્ર લોકોની માંગણીઓને લઈને શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. રિપોટર વિપુલ ચોધરી